Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

Artificial World

સમય માણસને બદલાવા માટે મજબુર કરે છે. એક બીબુ છે જેમા માણસે પોતાને ઢાળવો પડે છે.
જેટલું જલ્દી ઢળી જવાય એટલું જીવન સરળ બની રહે છે. કહે છે કે જો તમારામાં તાકાત હોય તો
સમય ને બદલી નાખો, નહીતર સમયની સાથે બદલાઈ જાવ. બધુંજ પરિવર્તનશીલ છે
બદલાવ જરુરી છે અને બદલાવું પણ જરુરી છે. માણસ બદલાય છે, માણસની માન્યતા
બદલાય છે બધુંજ બદલાય છે. તો સત્યનું શું ? મારી માન્યતાઓ ને હું મારુ સત્ય માનતો હોઉં છું.
અને મારી ગઈકાલની માન્યતા કરતાંઆજે હું અલગ માનું છુ. તો મારું સત્ય પણ પરિવર્તનશીલ છે?
દરેકની પોત પોતાની ફીલોસોફી છે કહો કે અનુભવનો નિચોડ છે યા તો જીવન જીવવાની સ્ટાઈલ છે.
ખુબ રસપ્રદ છે દરેકના વિચારો.
  આજની જિંદગીમાં માણસ કેવો અનુભવ કરે છે અને પોતાને કેવી રીતે આર્ટિફિશીયલ બાહ્ય
તોર તરીકાઓ માં ઢાળી ને કૃત્રિમ જીવન જીવે છે તેનું ચોટદાર વર્ણન શ્રી બક્ષીસાહેબ જેવું તો કોણ કરી
શકે? ગુજરાત સાહિત્ય રસિયાઓમાં શ્રી ચંદ્રકાંત બક્ષીનાં લાખો દિવાનાઓ છે. તેનાં લખાણમાં
એવું કંઈક હતું જે વાચકને એક વિચારધારા આપી જતું. તેમનું આવું એક ચોટદાર લખાણનું એક
સેમ્પલ જોઈએ.

રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી..
-ચંદ્રકાંત બક્ષી.

Advertisements

નવેમ્બર 2, 2008 Posted by | Uncategorized | Leave a comment