Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

અખા ના છપ્પા

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત

આંધળો સસરો ને શણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ
કહ્યું કંઈ ને સમજ્યું કંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું
ઊંડો કુવો ને ફાટી બોક, શિખ્યું સાંભળ્યું સર્વે ફોક

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા
ન થાયે ઘેંસ ને ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય

જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ

ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ
મન મનાવી સગુરો થયો, પણ વિચાર તો નગુરાનો જ રહ્યો
ધન લે ને ધોકો નવ હરે, એ ગુરૂ કલ્યાણ શું કરે

જૂન 30, 2010 Posted by | Uncategorized | 2 ટિપ્પણીઓ

થાય સરખામણી તો

બેફામ સાહેબની આ ગઝલ મનહર ઉધાસ ના સ્વર માં ખુબજ સરસ રીતે રજુ થઈ છે.

થાય  સરખામણી  તો  ઊતરતા  છીએ,  તે  છતાં  આબરુને દીપાવી દીધી
એમના  મહેલને  રોશની  આપવા,   ઝૂંપડી  પણ  અમારી  જલાવી  દીધી

ઘોર  અંધાર  છે  આખી  અવની  ઉપર, તો  જરા  દોષ  એમાં અમારોય છે
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને  અમે પણ  શમાઓ બુઝાવી દીધી

બીક  એક  જ બધાને  હતી  કે અમે,  ક્યાંક પહોંચી ન જઈએ  બુલંદી ઉપર
કોઈએ   પીંજરાની  વ્યવસ્થા  કરી ,  કોઈએ   જાળ  રસ્તે   બિછાવી  દીધી

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે ના કોઈને નડ્યા
ખુદ  અમે તો  ન  પહોંચી  શક્યા મંઝિલે,  વાટ કિંતુ  બીજાને બતાવી દીધી

કોણ   જાણે   હતી  કેવી  વર્ષો  જૂની,  જિંદગીમાં  અસર  એક  તનહાઈની
કોઈએ  જ્યાં  અમસ્તું  પૂછ્યું  કેમ  છો,  એને  આખી  કહાણી સુણાવી દીધી

દિલ જવા તો દીધું  કોઈના  હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
સાચવી  રાખવાની  જે  વસ્તુ  હતી , એ  જ  વસ્તુ  અમે તો  લૂંટાવી દીધી

જીવતાં  જે   ભરોસો  હતો  ઈશ પર, એ  મર્યા  બાદ ‘બેફામ’  સાચો પડ્યો
જાત   મારી   ભલેને  તરાવી   નહીં,   લાશ  મારી  પરંતુ  તરાવી   દીધી

                                                 -બરકત વિરાણી ‘બેફામ’

જૂન 29, 2010 Posted by | gazal, ghayal, ghazal, Ghazals, popular gujarati gazal, popular gujarati ghazal | , , , , , , , | 3 ટિપ્પણીઓ

“શૂન્ય” પાલનપુરી ની સરસ ગઝલ

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

-“શૂન્ય” પાલનપુરી

જૂન 14, 2010 Posted by | ghazal | , , , , , , , , | Leave a comment

ઓ સિતમગર દાદ તો દે

ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને,
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.

રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીર ને.

વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પથ બદલે એ નથી આદત ગતીમય તીર ને.

એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’,
બહાર તો પત્થર મળ્યા મસ્જિદ અને મંદિરને!!

-મરીઝ

જૂન 6, 2010 Posted by | Ghazals | , , , , , | Leave a comment