Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

ઓ સિતમગર દાદ તો દે

ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને,
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.

રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીર ને.

વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પથ બદલે એ નથી આદત ગતીમય તીર ને.

એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’,
બહાર તો પત્થર મળ્યા મસ્જિદ અને મંદિરને!!

-મરીઝ

જૂન 6, 2010 Posted by | Ghazals | , , , , , | Leave a comment

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં

આજે માણીયે બેફામ સાહેબ ને. 

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

                       – બરકત વિરાણી “બેફામ”.

એપ્રિલ 29, 2010 Posted by | Ghazals | , , , , , , , , , , | Leave a comment

કોણ માનશે!

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

                                                -‘મરીઝ’

એપ્રિલ 7, 2010 Posted by | Uncategorized | , , , , , , , | 1 ટીકા

મરીઝ

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.

                                                    -મરીઝ.

માર્ચ 28, 2010 Posted by | Ghazals | , , , , , , , | 2 ટિપ્પણીઓ